અજામિલ આખ્યાન ajamil akhayana in Gujarati

અજામિલ આખ્યાન ajamil akhayana in Gujarati

 અજામીલ આખ્યાન

ajamil akhayana in Gujarati



કાન્યકુબ્જ (કન્નૌજ)માં, એક બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ અજામિલ હતું. આ અજામિલ એક મહાન શાસ્ત્રજ્ઞ હતો. એ શીલ, સદાચાર અને સદગુણોનો ખજાનો હતો. તે વિનયી, જિતેન્દ્રિય, સત્યવાન, મંત્રવેત્તા અને ધર્મનિષ્ઠ હતો. તેણે ગુરુ, સંતો અને મહાત્માઓની સેવા કરી હતી.

એકવાર તે પિતાના આદેશ અનુસાર જંગલમાં ગયો અને ત્યાંથી ફળો, ફૂલો, વગેરે લઈને ઘરે પાછો ફરી રહ્યો હતો ત્યારે પરત ફરતા તેણે જોયું કે એક વ્યક્તિ કોઈ ગણિ કા સાથે વન-વિહાર કરી રહ્યો હતો અને એ ગણિકા પણ ભાન ભૂલી રહી છે.

અજામિલે બીજું તો કોઈ પાપ ન કર્યું પણ ફક્ત તેની આંખોથી જોયું અને તેનામાં કામનો અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો. અજામિલે તેના મનને રોકવાનો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગયો. હવે આખો દિવસ તેણે પેલી ગણિકા વિશે વિચારવાનું શરૂ કર્યું અને પોતાના ધર્મથી દૂર થઈ ગયો.

પછી એ પેલી ગણિકાને મળ્યો, અને મળતો જ રહ્યો. તેને માટે સુંદર, મોંઘા કપડાં અને આભૂષણ વગેરે લઈ જતો, જેનાથી તે ખુશ થઈ જતી. આમ તેણે તેના પિતાની બધી સંપત્તિ પેલી ગણિકા પાછળ વેડફી નાખી અને આ બ્રાહ્મણ તે જ પ્રકારના પ્રયત્નો કરતો, જેનાંથી પેલી ગણિકાને ખુશ થાય. તેની સાથેનો સંબંધ પછી એટલો વધ્યો કે અજામિલે પોતાની ઉમદા, સંસ્કારી અને કુળવાન પત્નીનો પણ ત્યાગ કર્યો અને એ ગણિકા  સાથે જ રહેવા લાગ્યા.



લાંબા સમય સુધી એ કુલટા સ્ત્રીનું અપવિત્ર અન્ન ગ્રહણ કરીને તેણે પોતાનું આખું જીવન પાપમય બનાવ્યું. યેનકેન પ્રકારેણ એ ગમે ત્યાંથી ન્યાય-અન્યાયનું દ્રવ્ય લઈ આવતો અને તે પાપી સ્ત્રી થકી વિસ્તાર પામેલા પોતાના નવા મોટા પરિવારનાં લાલનપાલનમાં જ વ્યસ્ત રહેતો. તેનો એ પરિવાર તેની ચોરી, જુગાર અને છેતરપિંડીના ધન પર જ નભતો હતો.

એકવાર કેટલાક સંતો તેમના ગામ આવ્યા. ગામની બહાર સંતોએ કેટલાક લોકોને પૂછ્યું કે ભાઈ, અમને કોઈ ઉમદા બ્રાહ્મણનું ઘર કહો, અમારે ત્યાં રાત પસાર કરવી છે.

અમુક ટિખળી લોકોએ સંતોનો ઉપહાસ કરતાં કહ્યું- “સંતો, અમારા ગામમાં એક જ શ્રેષ્ઠ બ્રાહ્મણ છે જેનું નામ અજામિલ છે. અને તે ભગવાનનો એટલો મોટો ભક્ત છે કે તે ગામની અંદર રહેતો નથી, પણ ગામની બહાર જ રહે છે.

હવે એ સંતો અજામિલના ઘરે પહોંચ્યા અને દરવાજો ખખડાવ્યો- “ભક્ત અજામિલ, દરવાજો ખોલો..!”

અજામિલે દરવાજો ખોલીને સંતોને જોયા અને એ સાથે જ તે દિવસે અચાનક જ તેને તેના જૂના સારા કર્મો યાદ આવ્યા.

સંતોએ કહ્યું- “ભાઈ, રાત બહુ વીતી ગઈ છે, શું તમે અમારાં માટે ભોજન અને સૂવાની વ્યવસ્થા કરશો ?”

અજામિલે સુંદર સ્વાદિષ્ટ ખોરાક તૈયાર કર્યો અને તે સંતોને કરાવ્યો. જ્યારે અજામિલે સંતોને સૂવાનું કહ્યું, ત્યારે સંતજનો બોલ્યા- “અમે નિત્ય સૂતા પહેલા કીર્તન કરીએ છીએ. જો તમને સમસ્યા ન હોય તો શું અમે કીર્તન કરી શકીએ?”



અજામિલે કહ્યું- “આ તમારું જ ઘર છે એમ સમજો અને તમારી મરજી પ્રમાણે મનમાં જે આવે તે કરો.

સંતોએ સુંદર કીર્તન શરૂ કર્યું અને અજામિલ તે કીર્તનમાં બેઠો. કીર્તન આખી રાત ચાલ્યું અને અજામિલની આંખોમાંથી આંસુઓ આવી ગયા. ત્યારે જાણે કે એનાં આંસુમાં તેનાં સઘળા પાપો ધોવાઈ ગયા. તેણે આખી રાત ભગવાનનું સ્મરણ કર્યું.

સવારે સંતો ચાલવા માંડ્યા ત્યારે અજામિલે કહ્યું- “મહાત્માઓ, મને માફ કરો. હું કોઈ ભક્ત વગેરે નથી. હું એક મહાન પાપી છું. હું એક નીચ સ્ત્રી સાથે જીવું છું. અને માટે મને ગામની બહાર ફેંકી દેવામાં આવ્યો છે. ફક્ત તમારી સેવા માટે જ મેં તમને ભોજન કરાવ્યું છે. નહીં તો મારાથી મોટો પાપી કોઈ નથી.”

સંતોએ કહ્યું- “ઓ અજામિલ! ગઈકાલે તમે અમને આ વાત કેમ ન જણાવી? અમે તમારા ઘરે રોકાયા ન હોત ને..! પણ હવે તમે અમને આશ્રય આપ્યો જ છે, તો બીજી ચિંતા કરશો નહીં. તમારે કેટલા બાળકો છે તે મને કહો.”

અજામિલે કહ્યું કે- “મહારાજ મારે નવ બાળકો છે, વળી પત્ની હવે ગર્ભવતી પણ છે.”

સંતોએ કહ્યું- “હવે તને જે સંતાન થશે તે તમારો પુત્ર હશે અને તમે તેનું નામ ‘નારાયણ’ રાખજો. જાઓ, તમારું કલ્યાણ થઈ જશે.”

સંતો આશીર્વાદ સાથે રવાના થયા. સમય જતાં અજામીલને એક પુત્ર થયો. તેનું નામ પાડ્યું નારાયણ. હવે તેને પુત્ર નારાયણમાં ખૂબ જ આસક્તિ લાગી ગઈ હતી, અને જાણે કે, તેણે પોતાનું સંપૂર્ણ હૃદય જ તેના બાળક નારાયણને સોંપ્યું હતું.

આખો સમય અજામિલ કહેતો- “નારાયણ, ભોજન કર. નારાયણ જળ પીઓ. અત્યારે નારાયણ રમવાનો સમય છે, તો રમો. તે બસ આખો સમય ‘નારાયણ..નારાયણ’ જ કરતો.

આમ એંસી વર્ષો વીતી ગયા. તે આ બધામાં ખૂબ જ મગ્ન બની ગયો હતો, એમાં તેને ખ્યાલ ન હતો કે કાળ એનાં માથા પર આવી ગયો છે. હવે તે ફક્ત તેના પુત્ર, નારાયણના સંબંધમાં જ વિચારતો હતો.

એક દિવસે અજામિલે જોયું કે ખૂબ જ ભયાનક એવા ત્રણ યમદૂતો તેને લઇ જવા આવ્યા હતા. તેમના હાથમાં ગા ળિયો છે, તેમના ચહેરા કુટિલ છે અને શરીરના રુંવાડા કાંટાની જેમ ઉભા જ હતા. તે સમયે છોકરો નારાયણ ત્યાંથી થોડે દૂર રમી રહ્યો હતો.

યમદૂતને જોઇને અજામિલ ગભરાઈ ગયો અને પુત્રને કહ્યું- “નારાયણ! નારાયણ મારી રક્ષા કર! મને બચાવો નારાયણ!

ત્યાંથી પસાર થઈ રહેલા ભગવાન વિષ્ણુના કેટલાક પાર્ષદોએ જોયું કે આ મનુષ્ય તો અંત સમયે તેમનાં સ્વામી ભગવાન નારાયણના નામનો જાપ કરી રહ્યો છે; તેથી તેઓ ઝડપથી ખૂબ વેગે ત્યાં પહોંચ્યા. તે સમયે, યમરાજના દૂતો શરીરમાંથી અજામિલના આત્માને ખેંચી રહ્યા હતા, પણ વિષ્ણુના પાર્ષદોએ તેમને રોક્યા.

તેમને રોકતાં જ યમદૂતોએ તેમને કહ્યું – ‘અરે, તમે ધર્મરાજના આદેશનું અનાદર કરનારા કોણ છો? તમે કોના દૂત છો? ક્યાંથી આવ્યા છો? અને શા માટે તમે તેને લઈ જવાથી અમને રોકી રહ્યા છો?”

જ્યારે યમદૂતોએ આવું કહ્યું, ત્યારે ભગવાન નારાયણના પાર્ષદોએ હસીને કહ્યું- “યમદૂતો..! જો તમે ખરેખર ધર્મરાજના આજ્ઞાકારી છો, તો પછી અમને ધર્મની વિશેષતાઓ અને ધર્મનું તત્વ બતાવો. બોલો, સજાને પાત્ર કોણ હોય છે?”

યમદૂતોએ કહ્યું – વેદોમાં જેનું વિધાન છે એ બધી ક્રિયાઓ ધર્મ ગણાય છે અને જે ક્રિયાઓનો નિષેધ કરવામાં આવ્યો છે તે અધર્મ સમજવામાં આવે છે. વેદ એ ભગવાન સ્વયં જ છે. તેઓ જ વેદોના શ્વાસ-પ્રશ્વાસ છે અને ભગવાન જ વેદોનું પ્રકાશજ્ઞાન છે – એવું અમે સાંભળ્યું છે. પાપી કર્મો કરનારા બધાને તેમનાં પોતાના કાર્યઅનુસાર શિક્ષા કરવામાં આવે છે.

ભગવાનના પાર્ષદોએ ઉત્તર આપતા કહ્યું- “અરે યમદૂતો..! આ એક ખૂબ જ આશ્ચર્યજનક અને ખેદજનક વાત છે કે ધર્મજ્ઞોની સભામાં જ અધર્મ પ્રવેશ કરી રહ્યો છે, કારણ ત્યાં નિર્દોષ અને શિક્ષાપાત્ર નથી એવા લોકોને નાહકની સજા આપવામાં આવી રહી છે. દૂતો..! આણે કોટી કોટી જન્મોની પાપરાશિનું પૂરેપૂરું પ્રાયશ્ચિત કરી લીધું છે, કારણ કે તેણે, ભલે વિવશ થઈને, પણ ભગવાનનાં સર્વોચ્ચ કલ્યાણકારક (મોક્ષપ્રદ) નામનું ઉચ્ચારણ તો કર્યું જ છે. જ્યારે તેણે આ ચાર અક્ષરો ‘નારાયણ’ ઉચ્ચાર્યા હતા, તે જ સમયે ફક્ત એટલાથી જ આ પાપીના બધા પાપોનું પ્રાયશ્ચિત થઈ ગયું છે.

ચો ર, ડા રુડિયા, મિત્રદ્રોહી, બ્રહ્મઘાતી, ગુરુપત્નીગામી, આવા લોકોનો સંસર્ગી; સ્ત્રી, રાજા, પિતા એવો ભલે ગમે એટલો મોટો પાપી હોય, એ સર્વે માટે આ જ, અને કેવળ આટલું જ, એ સૌથી મોટું પ્રાયશ્ચિત છે કે એણે ભગવાનનાં નામનો જાપ કરવો; કારણ કે ભગવાનના નામનો જાપ કરવાથી વ્યક્તિની બુદ્ધિ ભગવાનના ગુણો, લીલા અને સ્વરૂપોમાં મગ્ન થઈ જાય છે અને સ્વયં ભગવાનની આભા તેની આસપાસ ઘનિષ્ઠ બની જાય છે. તો તમે લોકો અજામિલને ન લઈ જાઓ કારણ તેનાં પાપોનું પ્રાયશ્ચિત થઈ ગયું છે, એટલા માટે કે અંત સમયે તેણે ભગવાનનાં નામનું સ્મરણ કર્યું છે.”

આ રીતે ભગવાનના પાર્ષદોએ ભાગવત ધર્મનો સંપૂર્ણ નિર્ણય સંભળાવી દીધો અને અજામિલને યમદૂતની ચુંગાલમાંથી મુક્ત કરીને બચાવ્યો.

પ્રભુનો આવો મહિમા સાંભળીને તુરંત જઅજામિલના હૃદયમાં ભક્તિ જન્મી. હવે તેના પાપોને યાદ કરીને તેણે ખૂબ પસ્તાવો કરવાનું શરૂ કર્યું. અજામિલે પોતાના મનમાં વિચાર્યું- “ઓહ, હું તે કેવો ઇન્દ્રિયોનો ગુલામ છું! મેં દાસીના ગર્ભાશયમાંથી પુત્ર ઉત્પન્ન કરીને મારા બ્રાહ્મણત્વનો નાશ કર્યો. આ સાચે જ ખૂબ જ ખેદની વાત છે. ધિક્કાર છે..! મને વારંવાર ધિક્કાર હો..! હું તો સંતો દ્વારા નીંદિત છું. હું પાપાત્મા છું! મેં મારા કુળ પર કલંકની ટીલી લગાવી છે! મારા માતાપિતા વૃદ્ધ અને તપસ્વી હતા. મેં તેમને પણ છોડી દીધા. ઓહ, તે આવું છે! હું કેટલો કૃતઘ્ન છું હવે હું ચોક્કસ જ હું સૌથી ભયાનક નરકમાં પડીશ, જેમાં કામી, ધર્મઘાતી, પાપીઓ અનેક પ્રકારની યમયાતનાઓ ભોગવે છે.

ક્યાં હું, બ્રહ્મતેજને નષ્ટ કરવાવાળો મહાન પાપી, કપટી, નિર્લજ્જ માનવ અને ક્યાં ભગવાન નારાયણનું તે સર્વોચ્ચ શુભ નામ..! હું તો ખરેખર કૃતાર્થ થઈ ગયો. હવે હું મારા મન, ઇન્દ્રિયો અને પ્રાણને નિયંત્રિત કરવાનો એવો પ્રયત્ન કરીશ કે ફરી ક્યારેય મારી જાતને હું ઘોર અંધકારમય નરકમાં ન નાખું. યમદૂતોથી ડરીને મારા દીકરાને બોલાવવા હું ‘નારાયણ’ બોલ્યો, અને તુરંત જ ભગવાનના પાર્ષદો હાજર થયાં. જો મેં ખરેખર નારાયણને જ પોકાર્યા હોત, તો શ્રીનારાયણ આજે મારી સમક્ષ પ્રગટ ન થઈ ગયા હોત?”

પછી અજામિલના મનમાં સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો. તે બધા જ સંબંધો અને મોહને ત્યાગીને હરિદ્વાર ગયો. ત્યાં ગયા પછી, તે દેવસ્થાનમાં બેઠક લગાવી બેસી ગયો અને યોગ માર્ગનો આશ્રય લઈને, તેણે પોતાની બધી ઇન્દ્રિયોને વિષયોમાંથી હટાવી અને મનમાં લીન કરી દીધી, પછી મનને બુદ્ધિમાં ભળાવી દીધું. એ પછી, આત્મ-ચિંતન દ્વારા, તેમણે બુદ્ધિને વિષયોથી વેગળી કરી મૂકી અને તેને પરબ્રહ્મમાં જોડી દીધી.

આ રીતે જ્યારે અજામિલની બુદ્ધિ ત્રિગુણમયી પ્રકૃતિથી ઉપર ઉઠીને ઈશ્વરના સ્વરૂપમાં સ્થિત થઈ ગઈ, ત્યારે તેણે જોયું કે તેની સામે તે જ ચાર પાર્ષદો ઉભા હતા જેમને તેણે અગાઉ પણ જોયા હતા. અજામિલે મસ્તક નમાવી નમસ્કાર કર્યા, તેમના દર્શન કર્યા પછી, એ તીર્થસ્થાનમાં ગંગાના કાંઠે તેણે પોતાનો દેહત્યાગ કર્યો અને તરત જ ભગવાનના પાર્ષદોનું સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું.

ભગવાનના અન્ય પાર્ષદોની સાથે અજામિલ, સુવર્ણમય વિમાનમાં આરૂઢ થઈને આકાશ માર્ગે ભગવાન લક્ષ્મીપતિના નિવાસસ્થાન એવા વૈકુંઠે પ્રસ્થાન કરી ગયા.

શુક્દેવજી મહારાજ કહે છે- “હે પરીક્ષિત રાજા..! જુઓ, અજામિલ જેવા પાપી જેણે અંત સમયે પુત્રના બહાને ભગવાનનું નામ પોકાર્યું, તેણે પણ વૈકુંઠ પ્રાપ્ત કર્યું છે, તો પછી જેઓ શ્રદ્ધાપૂર્વક પ્રભુ નામ સ્મરણ કરે છે, તેમની તો વાત જ શી કરવી?

બુદ્ધિશાળીઓ આ પ્રકારનો જ વિચાર કરીને, ભગવાન પ્રત્યેની તેમની ભક્તિને હૃદયથી સ્થાપિત કરે છે. તેઓ યમરાજની સજાને પાત્ર નથી. પહેલી વાત એ છે કે તેઓ પાપ કરતા જ નથી, પણ સંભવત, કોઈ પાપ થાય તો પણ તેમનાં દ્વારા પ્રભુનામ સ્તુતિ વડે એ તરત જ નાશ પામે છે. જે મનુષ્યની જીભ ભગવાનનાં ગુણો અને નામો ઉચ્ચારતી નથી, જેનું મન તેના ચરણોમાં ચિંતન કરતું નથી, અને જેનું માથું એક વાર પણ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં નમતું નથી, એવા ભગવત્સેવા વિમુખ લોકોને જ યમલોકમાં લઈ આવવા એવી યમરાજે એ પછી, પોતાનાં દૂતોને સલાહ આપીને હુકમ કર્યો.

જ્યારે યમદૂતોએ તેમના યમરાજાના મુખેથી આ રીતે પ્રભુનો મહિમા સાંભળ્યો અને પછી તેમને સ્મરણ કર્યા, ત્યારે તેમના આશ્ચર્યની કોઈ મર્યાદા નહોતી.ત્યારથી, ધર્મરાજાની વાતોમાં વિશ્વાસ રાખીને તેઓ, પોતાના વિનાશની આશંકાથી, ભગવાનના આશ્રિત ભક્તો પાસે જતા જ નથી. એટલું જ નહીં, પણ તેઓ તેમની તરફ આંખ ઉઠાવીને જોતા પણ ડરતા હોય છે.

તો પ્રિય પરીક્ષિત..! આ ઇતિહાસ ખૂબ જ ગુપ્ત છે.. ખૂબ જ રહસ્યમય છે. ભગવાન અગસ્ત્યજી, કે જેઓ મલય પર્વત પર બિરાજમાન છે, એમણે શ્રીહરિની ઉપાસના કરતી વખતે મને આ સંભળાવ્યું હતું, જે અત્યારે મેં તમને કહી સંભળાવ્યું.”



Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !